
હેરિટેજકિલ્લાઓ-મહેલો-મ્યુઝિયમો વિકસાવવા રૂા.10 કરોડ સુધીની સહાય
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 11 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
ગુજરાતની ઐતિહાસિક ઇમારતોને હેરિટેજ ટુરીઝમના ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેરાત કરી છે. ગુજરાત સરકારે 2020-25ના પાંચ વર્ષ માટેની હેરિટેજ ટુરિઝમ પોલીસીની આજે કરેલી જાહેરાતના ભાગરૂપે આ આયોજન કર્યું છે.
વર્ષોથી વણવપરાયેલી રહેલી પ્રાચીન ઇમારતો, કિલ્લાઓ અને મહેલોમાં હવે હેરિટેજ હોટેલ, બૅન્ક્વેટ, રેસ્ટોરાં અથવા મ્યુઝિયમ બનાવવામાં આવશે. ગુજરાતમાં લોથલ, ધોળાવીરા, જેવા પ્રાચીન નગરો, રાણકી વાવ અને ચાંપેનેર જેવી વર્લ્ડ્ હેરિટેજ સાઈટ તેમ જ વિશ્વના એક માત્ર હેરિટેજ સિટી અમદાવાદનો ભવ્ય વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
હેરિટેજ ટુરિઝમને કારણે દેશ અને વિદેશથી વધુ યાત્રીઓ ગુજરાતના પ્રવાસે આવશે એવી આશા અભિવ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યુ ંહતું કે પ્રવાસન, હોટેલ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝને આ સાથે જ પ્રોત્સાહન પણ મળશે અને તેના થકી નવી રોજગારીનું નિર્માણ પણ થશે.
તેમણે કહ્યું હતું કે રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ હેરિટેજ સ્થળોની મુલાકાત લેતા થશે તો દેશની વિદેશી હૂંડિયામણની પણ આવક થશે. હેરિટેજની કેટેગરીમાં આવતી ઇમારતોના રિનોવેશન માટે ગુજરાત સરકાર તરફથી રૂા. 45 લાખથી માંડીને રૂા.10 કરોડ સુધીની સહાય આપવામાં આવશે.
તેમ જ પાંચ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડયૂટીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. આ નીતિને અપનાવવાથી ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિ-પરપરા-ખાનપાનની શૈલીનો વિશ્વને પરિચય મળશે અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકમાં વધારો થશે. નાના ગામો અને નગરોમાં ધ્યાન બહાર પડી રહેલી હેરિટેજ ઇમારતોને પર્યટકોના ધ્યાનમાં લાવવા માટેની આ કવાયત કરવામાં આવી રહી છે.
તદુપરાંત રાજા રજવાડાઓના મહેલો, ઝરૂખાએ, મિનારાઓ, કિલ્લાઓને પણ હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે. પ્રવાસના શોખીનો માટે આ સ્થળોને જોવા લાયક સ્થળમાં રૂપાંતરિત કરી દેવામાં આવશે. આ સ્થળોને વિકસાવવામાં આવતા લોકોને તેના ઇતિહાસની રસપ્રદ વિગતો મળતી થશે. આ નીતિ હેઠળ લેવામાં આવનારા પગલાંને પરિણામે ખંડેરની જેમ પડી રહેલી ઇમારતોને તેના અસર રંગરૂપ મળશે અને તેની જાળવણી પણ વ્યવસ્થિત થશે.
ગુજરાતના ટુરિઝમ સેક્ટરને અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝને નવું બળ આપવા માટે નવી નીતિ જાહેર કરવામાં આવી હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નાના ગામ કે નગરોમાં જગ્યાના અભાવે હોટેલ, રેસ્ટોરાં, બૅન્ક્વેટ શરૂ ન થઈ શકે તો ઐતિહાસિક વારસા રૂપ ગણાતી મિલકતોમાં તે શરૂક રીને સ્થાનિક સ્તરે રોજગારી પણ સર્જન કરવાના ધ્યેય સાથે આ હેરિટેજ ટુરિઝમ પોલીસી તૈયાર કરવામાં આવી છે.
પહેલી જાન્યુઆરી 1950 પહેરાની ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લાઓમાં હેરિટેજ હોટેલ, હેરિટેજ મ્યુઝિયમ કે હેરિટેજ બૅન્ક્વેટ હોલ કે હેરિટેજ રેસ્ટોરાં બનાવી શકાશે. આ ઇમારતોને અસલ ઓપ આપતી વેળાએ તેના મૂળ માળખા સાથે કોઈ જ છેડછાડ કરવામાં આવશે નહિ.
આઝાદી પછી વિલીન થયેલા નાના મોટાં અનેક રજવાડાંની સમૃદ્ધિ, તમને મહેલાના મ્યુઝિયમોમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓ, ભેટસોગાદ, પોષાક, પહેરવેશ, શસ્ત્રો, ચલણી સિક્કાઓને ભાવિ પેઢી જોઈ અને જાણી શકે તે માટે આ નીતિ જાહેર કરવામાં આવી છે. હોલિસ્ટિંક ટુરિઝમ ડેવલપમેન્ટ માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
હેરિટેજ ટુરિઝમ માટે સરકાર કોને કેટલી સબસિડી આપશે?
હેરિટેજ પ્રોપર્ટીમાં હોટેલ બનાવવા માટે રૂા. 25 કરોડ સુધીનું રોકાણ કરવા ઇચ્છતા લોકોને સરકાર તરફથી 20 ટકા એટલે કે મહત્તમ રૂા. 5 કરોડની સબસિડી ક સહાય આપવામાં આવશે. તેમ જ રૂા. 25 કરોડથી વધુ રોકાણ કરનારાઓને મહત્તમ રૂા. 10 કરોડની સહાય આપવામાં આવશે. આ જ રીતે ન્યુ હેરિટેઝ મ્યુઝિયમ, હેરિટેજ બૅન્ક્વેટ હોલ, હેરિટેજ રેસ્ટોરાં બનાવનારા કે તેને રિનોવેટ કરવા કે રિ-રિસ્ટોર કરવા માટે રૂા. 3 કરોડ સુધીનું રોકાણ કરનારાઓને 15 ટકા લેખે રૂા. 45 લાખની સહાય આપવામાં આવશે.
તેમ જ રૂા. 3 કરોડથી વધુ રોકાણ કરનારાઓને 15 ટકા લેખે રૂા. 1 કરોડની સહાય આપવામાં આવશે. હેરિટેજ ટુરિઝમ પોલીનીના સમયગાળા દરમિયાન મંજૂર કરવામાં આવેલી અને વિતરણ કરી દેવામાં આવેલી લોન ઉપર પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી પણ આપવામાં આવશે. તદુપરાંત અન્ય કેટલાક ઇન્સેન્ટિવ્સ પણ આપવામાં આવશે. હેરિટેજ ટુરિઝમમા ંજોડાનારાઓને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ઇવેન્ટ કરવા માટે રેન્ટ સહાય પણ આપવામાં આવશે.
હોમ સ્ટે પોલિસી હેઠળ લોકોને ખાસ લાભ અપાશે
હેરિટેજ ટુરિઝમ પોલીસીના અમલ પછી ગુજરાતના પ્રવાસે આવનારાઓને ઓછા કર્ચે રહેવાની સુવિધા મળે તે માટે હેરિટેજ સિટીમાં કે વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હોય તેવા મોટા ઘરોમાં 1થી 6 રૂમ સુધીના આવાસો ભાડે આપાની છૂટ આપવામાં આવી છે. પોતાના પરિવાર સાથે વસવાટ કરતાં હોય તેવી વ્યક્તિઓને પોતાના આવસ હોમસ્ટે તરીકે આપવાની છૂટ આપવામાં આવશે.
તેમને પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજદરમાં રાહત આપવામાં આવશે. ગુજરાત પ્રવાસન નિગમમાં હોમ સ્ટે આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા 100 સાહસિકોની સાથે હવે નવા સાહસિકો જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હોમસ્ટે ધારકોને પ્રવાસન નિગમ ખાસ તાલીમ આપશે,ગુજરાત હોમ સ્ટે પોલીસીને વધુ સરળ બનાવવાનો મુખ્યમંત્રીએ નિર્ધાર કર્યો છે. હોમ સ્ટે આપતા આવાસોને સોલાર પોલીસી હેઠલ ખાસ રાહતો પણ આપવામાં આવશે.
No comments:
Post a Comment