બનાસકાંઠામાં તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં કોંગ્રેસના ગઢમાં ગાબડા પડયા - NEWS E HUB

Slider Widget

Thursday, 10 September 2020

બનાસકાંઠામાં તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં કોંગ્રેસના ગઢમાં ગાબડા પડયા

પાલનપુર, છાપી,  ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ, ભાભર, અમીરગઢ,  ડીસા, તા.09 સપ્ટેમ્બર 2020, બુધવાર

બનાસકાંઠા જિલ્લાની ૧૩ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થતાં બીજી ટર્મના અઢી વર્ષ માટેના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી માટે આજે ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતોમાં  ચાલતા આંતરિક જુથવાદનો ફાયદો ઉઠાવીને ભાજરે વધુ ચાર તાલુકા પંચાયતમાં સત્તા હસ્તગત કરતા જિલ્લામાં ભાજપનું સંખ્યાબળ ૬ હતું જે વધીને ૧૦ થયું છે. જ્યારે કોંગ્રેસ પાસે તાલુકા પંચાયતનું સંખ્યાબળ ૭ હજુ તે ઘટીને ૩ પર આવી પહોંચ્યું છે. જોકે બીજી ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસ ચાર તાલુકા પંચાયતમાં સત્તા ટકાવી રાખવામાં નિષ્ફળ નીવડી છે તો ભાજપે રાજકીય  સોગઠાબાજીથી કોંગ્રેસ શાસિત ચાર તાલુકા પર કેશરીયો લહેરાવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાની ૧૪ તાલુકા પંચાયત પૈકી લાખણીને બાદ કરતાં દાંતા, પાલનપુર, વડગામ, અમીરગઢ, ડીસા, ધાનેરા, વાવ, થરાદ, દાંતીવાડા, સુઈગામ, ભાભર, દિયોદર અને કાંકરેજ મળીને ૧૩ તાલુકા પંચાતમાં બીજી ટર્મના પ્રમુખ, ઉપપ્રમુખની વરમી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ શાસિત દાંતીવાડા તાલુકા પંચાયતમાં સત્તા પક્ષ કોંગ્રેસ તરફથી ઉમેદવારી ફોર્મ રજુ ન થતાં ભાજપના ઉમેદવારોની બિનહરીફ વરણી કરાઈ હતી. તેમજ વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોવા છતાં સભ્યોમાં ચાલતા જુથવાદને લઈ કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી છે. વિપક્ષ ભાજપે કોંગ્રેસના નારાજ સભ્યોને સહારે તાલુકા પંચાયતમાં સત્તા કબ્જે કરી હતી. જ્યારે કોંગ્રેસ શાસિત ભાભર તાલુકા પંચાયતમાં પણ ગાબડું પડયું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના અબાસણા ગામના કોંગ્રેસના મહિલા સદસ્ય હકીબેન લેહરાજી ઠાકોરે પક્ષ પલટો કરી ભાજપને ટેકો જાહેર કરતા ભાભર તાલુકા પંચાયતમાં ભાજપે કબજો જમાવ્યો છે. આમ કોંગ્રેસ શાસિત દિયોદર, વડગામ, દાંતીવાડા અને ભાભર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા નિષ્ફળ રહી છે. જ્યારે ભાજપ કોંગ્રેસ શાસિત કાંકરેજ તાલુકા પંચાયત કોંગ્રેસ દાવ પાડીને સત્તા કબજે કરવામાં સફળ રહી હતી. જ્યારે દિયોદર અને દાંતા તાલુકા પંચાયતમાં ભાજપ તેમજ કોંગ્રેસ પાસે સરખુ સંખ્યાબળ હોવાને લઈ પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં દિયોદરમાં તાલુકા પંચાયત ભાજપના ફાળે અને દાંતા તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે આવી છે. આમ જિલ્લાની ૧૩ તાલુકા પંચાયતમાં બીજી ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસને આંતરીક જુથવાદથી સરવાળે નુકસાન થયું છે. જ્યારે ભાજપે કોંગ્રેસના નારાજ સભ્યોના સહારે ચાર તાલુકા પંચાયતમાં કબજો જમાવ્યો છે.

જિલ્લામાં ૧૩માંથી ૧૦ પર ભાજપ અને ૩ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન  દાંતીવાડા, વડગામ, ભાભર, દિયોદરમાં કોંગ્રેસે સત્તા ગુમાવી

કઈ તાલુકા પંચાયતમાં કોની સત્તા

બનાસકાંઠા જિલ્લામાં ૧૩ તાલુકા પંચાયતોમાં પ્રથમ ટર્મમાં કોંગ્રેસ ૭ અને ભાજપનું ૬ તાલુકા પંચાયતમાં શાસન હતું. જ્યારે આજે યોજાયેલા બીજી ટર્મની ચૂંટણીમાં પાસા બદલાતા ભાજપ પાસે ૧૦ અને કોંગ્રેસને ફાળે ૩ તાલુકા પંચાયતનું શાસન આવ્યું છે. જેમાં દાંતીવાડા, થરાદ, દિયોદર, વાવ, ભાભર, ડીસા, ધાનેરા, વડગામ, અમીરગઢ અને સુઈગામ તાલુકા પંચાયત ભાજપ પાસે જ્યારે દાંતા, પાલનપુર અને કાંકરેજમાં કોંગ્રેસનું શાસન રહ્યું છે.

કોંગ્રેસ સાથે છેડો ફાડી મહિલા સદસ્યને ભાજપે પ્રમુખ બનાવ્યા

ભાભર તાલુકા પંચાયતમાં અબાસણા ગામના મહિલા સદસ્ય હકીબેન ઠાકોરે તેમના ગામના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની મનમાની અને વિકાસના કામો ચંચુપાતથી કંટાળીને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરતા ભાજપે તેમને ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા છે.

દાંતા અને દિયોદરમાં ટાઈ પડતા ચિઠ્ઠીના સહારે સુકાન નક્કી કરાયું

દાંતા તેમજ દિયોદર તાલુકા પંચાયતમાં ભાજપ તેમજ કોંગ્રેસ પાસે એકસરખું સંખ્યાબળ હોવાને લઈ પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઈ પડતા અહીં ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં દાતાના પ્રમુખપદ કોંગ્રેસને અને ઉપપ્રમુખ પદ ભાજપને ફાળે આવ્યું હતું. જ્યારે દિયોદર તાલુકા પંચાયતનું શાસન ભાજપના ફાળે આવ્યું છે.

ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપે  સત્તા જાળવી રાખી

ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપના સોનાભાઈ વણાભાઈ પટેલ પ્રમુખપદે જ્યારે ઉપપ્રમુખ પદે પંચુબા પરબતસિંહ ઠાકોરની વરણી થઈ છે. 

13 તાલુકા પંચાતના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ

સુઈગામઃ ભાજપ

પ્રમુખઃ મેવાભાઈ કલાલ

ઉપપ્રમુખઃ સતીબેન ચૌધરી

ધાનેરા

પ્રમુખઃ સોનાભાઈ પટેલ

ઉપપ્રમુખઃ કુસુમબેન ઠાકોર

વાવઃ ભાજપ

પ્રમુખઃ ધુળીબેન રાજપૂત

ઉપપ્રમુખઃ ગોમતીબેન પટેલ

થરાદઃ ભાજપ

પ્રમુખઃ દાનાભાઈ માળી

ઉપપ્રમુખઃ ધીરજ પટેલ

ડીસાઃ ભાજપ

પ્રમુખઃ વિજાબેન બોકરવાડીયા

ઉપપ્રમુખઃ રાધાબા સોલંકી

અમીરગઢઃ ભાજપ

પ્રમુખઃ પાયલબેન મોદી

ઉપપ્રમુખઃ મનહરબા ચૌહાણ

દિયોદરઃ ભાજપ

પ્રમુખઃ ઉત્તમસિંહ વાઘેલા

ઉપપ્રમુખઃ અમરબેન ચૌહાણ

વડગામઃ ભાજપ

પ્રમુખઃ પરથીભાઈ ચૌધરી

ઉપપ્રમુખઃ સવિતાબેન બેગડીયા

ભાભરઃ ભાજપ

પ્રમુખઃ હકીબેન ઠાકોર

દાંતીવાડાઃ ભાજપ

પ્રમુખઃ ભુરીબેન મકવાણા

ઉપપ્રમુખઃ રમેશભાઈ ધાડીયા

દાંતાઃ કોંગ્રેસ

પ્રમુખઃ જ્યોત્સનાબેન તરાલ (કોંગ્રેસ)

ઉપપ્રમુખઃ નેહલબેન ઠાકોર(ભાજપ)

કાંકરેજઃ કોંગ્રેસ

પ્રમુખઃ ક્રિષ્ના ઠાકોર

ઉપપ્રમુખઃ રામસિંહ રબારી

પાલનપુરઃ કોંગ્રેસ

પ્રમુખઃ સંગીતાબેન ડાકા

ઉપપ્રમુખઃ રાજેશજી ઠાકોર

લાખણીઃહાઈકોર્ટ મેટર હોઈ ચૂંટણી મોકૂફ


No comments:

Post a Comment