તપોવન સંસ્કારપીઠના દેરાસરમાં તસ્કરો ત્રાટક્યાઃ2.40 લાખના દાગીનાની ચોરી
ગાંધીનગર, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર
ગાંધીનગર શહેર નજીક આવેલા અમિયાપુરના પ્રસિધ્ધ તપોવન સંસ્કારપીઠમાં આવેલા જૈન દેરાસરમાં તસ્કર ટોળી ત્રાટકી હતી અને ગર્ભગૃહમાં સળીયા તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ ભગવાનની મૂર્તિ ઉપરથી ત્રણ નંગ છત્ર અને ચાંદીના બાજુબંધ મળી કુલ ર.૪૦ લાખની મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે દેરાસરના સંચાલકોને સવારના સમયે જાણ થતાં અડાલજ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે તસ્કરોએ આ વખતે ગાંધીનગર નજીક આવેલા અમિયાપુરના જગપ્રસિધ્ધ તપોવન સંસ્કારપીઠના જૈન દેરાસરને નિશાન બનાવ્યું છે. આ ઘટના અંગે સંસ્કારપીઠના જનરલ મેનેજર જયેશભાઈ મનસુખલાલ મહેતાએ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે ગત શનિવારની રાત્રે તેઓ ઘરે સુઈ રહયા હતા ત્યારબાદ સવારે છ વાગ્યાના સુમારે મેનેજર પ્રકાશભાઈનો ફોન આવ્યો હતો અને કહયું હતું કે દેરાસરના તાળાં તુટયા છે જેથી તેઓ દેરાસર ગયા હતા અને જોયું તો અંદરની દાનપેટી તુટેલી હતી. તેમજ ગર્ભગૃહના દરવાજા જે બંધ હતા તેમાં સંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ગર્ભગૃહના ત્રણ સળીયા તુટેલા હતા. જે દાનપેટીની પાછળ પડયા હતા.
અંદર તપાસ કરતાં મુલનાયક ભગવાનના ત્રણ ચાંદીના છત્ર તેમજ બાજુબંધ, મહાવીર સ્વામી ભગવાનના ચાંદીના છત્ર અને બાજુબંધ મળી કુલ ર.૪૦ લાખના દાગીનાની ચોરી થઈ ગઈ હોવાનું જણાયું હતું. જેથી આ મામલે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહંોંચી હતી અને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તેમને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.
દેરાસરના 13 દરવાજામાંથી એકપણ તુટયો નહીં-સેન્સર પણ બોલ્યા નહીં
શહેર નજીક આવેલા અમિયાપુરમાં તપોવન સંસ્કારપીઠના જૈન દેરાસરમાં થયેલી ચોરીમાં તસ્કરો ર.૪૦ લાખના દાગીના ચોરીને પલાયન થઈ ગયા છે ત્યારે પોલીસ માટે પણ ગુનો કોયડા સમાન સાબિત થાય તેમ છે કેમકે દેરાસરની ફરતે કુલ ૧૩ જેટલા દરવાજા આવેલા છે અને તેમાંથી એક પણ દરવાજો તુટયો નથી અને તમામ દરવાજા અંદરથી બંધ હતા. મુખ્ય દરવાજાને પણ સેન્સર લાગેલા છે. ગર્ભગૃહમાં કેમેરા લાગેલા છે જેમાં બે ચોર ચોરી કરતાં જણાયા હોવાનું પોલીસ કહી રહી છે. ત્યારે આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકાને પણ પોલીસ નકારતી નથી અને તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.
No comments:
Post a Comment