
કોરોનાની હૉસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં જાળવવો જ પડશે
અમદાવાદ, તા. 12 સપ્ટેમ્બર, 2020, શનિવાર
અમદાવાદની શ્યામલ ચાર રસ્તા પાસેની પારેખ્સ હૉસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતાં મોડી સાંજના 7 દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવા માટે છૂટા કરી દીધાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ફરી આવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના બે ઉચ્ચ અધિકારીઓ સી.એ. શાહ અને શ્રીમતિ એન. જે. અજમેરાની નોડલ અધિકારીઓ તરીકે નિયુક્તિ કરાઈ છે.
આ અંગે મ્યુનિ.એ તેની યાદીમાં કબૂલ્યું છે કે, 'હાલમાં સાર્વત્રિક રીતે કોરોનાના સંક્રમિત દર્દીઓના વધતા કેસોની સંખ્યાને ધ્યાને લઈ, તેમની સારવારમાં કોવિડ હૉસ્પિટલો ખાતે મેડિકલ ઓક્સિજનનો પુરવઠો પુરતા પ્રમાણમાં જળવાઈ રહે તે માટે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ડે. કમિશ્નર ઓમપ્રકાશ, ઓએસડી ડો. મનિષકુમાર બંસલ દ્વારા ઓક્સિજનના પુરવઠાની કામગીરી કરાય છે. આમ બબ્બે આઇએએસ અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા હોવા છતાં પારેખ્સ હૉસ્પિટલમાં જે સ્થિતિ ઉભી થઈ તેને ગંભીર ગણી શકાય. કેમ કે કોરોનાના દર્દી માટે ઓક્સિજનનો અભાવ બહુ જ ઝડપથી મૃત્યુ નોંતરી શકે છે.
હવે આ જીવન રક્ષક બાબત ઓક્સિજનની સપ્લાયની ચેન સુચારૂ રૂપથી જળવાઈ રહે તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી દ્વારા સમગ્ર પ્રક્રિયાનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવશે તેઓ કોવિડ હોસ્પિટલોને દર્દીઓની સારવારમાં જરૂરી ઓક્સિજનનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળતો તેવી નક્કર વ્યવસ્થા ગોઠવશે. બીજી તરફ 104 એમ્બ્યુલન્સ પણ ફોન કર્યા બાદ કલાકો સુધી અને ક્યારેક તો 24 કલાક બાદ આવતી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે.
No comments:
Post a Comment