
મેડિકલ માટેની NEET આજે લેવાશે ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થી
અમદાવાદ, તા. 12 સપ્ટેમ્બર, 2020, શનિવાર
કોરોનાને લઈને પરીક્ષાઓ મોકુફ કરવાની માંગ સાથે દેશભરમાં ગાજેલા વિવાદ બાદ અંતે આવતીકાલે 13મીએ મેડિકલ પ્રવેશ માટેની નીટ લેવામા આવનાર છે.ગુજરાતમાંથી 80 હજારથી વધુ વિદ્યાર્થી સહિત દેશ ભરમાં 15.90 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.નીટ પરીક્ષા કોરોનાને લઈને ચાર મહિના મોડી યોજાઈ રહી છે.
કોરોના વચ્ચે ભવિષ્યના ડોક્ટરોની મહત્વની પરીક્ષા એવી નીટ આખરે લેવાઈ રહી છે.હાલ દેશમાં 90 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોની પણ આ પરીક્ષા જ છે .કારણકે આ પરીક્ષા સફળતા પૂર્વક પૂર્ણ કરવી મોટો પડકાર છે.
ગુજરાતમાં અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, પંચમહાલ, આણંદ, ગાંધીનગર, પાટણ અને વલસાડ સહિતના 10 શહેરોના 215થી વધુ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. કોરોનાને લઈને એનટીએ દ્વારા સેન્ટરોની સંખ્યા વધારવામા પણ આવી છે.
સમગ્ર દેશમાં 155 શહેરોમાં 3800થી વધુ સેન્ટરો છે અને તાજેતરમાં કેટલાક નવા સેન્ટરો ઉમેરી સેન્ટરોમાં ફેરફાર કરાયો છે. નીટ પરીક્ષા પેપર પેન્સિલ મોડમાં છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધી છે.
ગુજરાતમાંથી 80219 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે.જો કે કોરોના વચ્ચે કેટલી હાજરી નોંધાય છે તે પ્રશ્ન છે.આ પરીક્ષાના આધારે જ મેડિકલમાં પ્રવેશ થાય તેમ હોવાથી તમામ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આપવી ફરજીયાત છે જેથી મોટા ભાગના વિદ્યાર્થીઓ આપે તેવી શક્યતા છે.
બપોરે 2થી5ના એક જ સેશનમાં પરીક્ષા લેવાશે. વિદ્યાર્થી સંખ્યા વધુ હોવાથી તમામ સેન્ટરો એન્ટ્રી માટે વહેલા શરૂ કરી દેવાશે અને તમામ સેન્ટરો પર થર્મલ સ્કેનિંગ કરાશે તેમજ વિદ્યાર્થીઓને માસ્ક પણ આપવામા આવશે.નીટ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરાઈ નથી પરંતુ સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે.
No comments:
Post a Comment