સોસાયટીઓ- ફ્લેટોમાં પણ કોરોનાને રોકવા કો-ઓર્ડિનેટર નીમવા પડશે - NEWS E HUB

Slider Widget

Tuesday, 8 September 2020

સોસાયટીઓ- ફ્લેટોમાં પણ કોરોનાને રોકવા કો-ઓર્ડિનેટર નીમવા પડશે


અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર

અમદાવાદમાં કોરોનાના સંક્રમણને રોકવા અનેક પગલાં લેવાઈ રહ્યા છે. કોમર્શિયલ એકમોમાં 30થી વધુ કર્મચારી કામ કરતા હોય તો એક વ્યક્તિને કોવિડ કો-ઓર્ડિનેટર નીમવાની જાહેરાત અગાઉ થઈ હતી તેવી જ રીતે તમામ ફ્લેટો, સોસાયટીઓ, કોલોનીઓમાં પણ એક- એક કોર્ડિનેટર નીમવા આજે આદેશ બહાર પડાયા છે. કઈ વ્યક્તિને કો-ઓર્ડિનેટર તરીકે રખાઈ છે તેની જાણ મ્યુનિ.ને કરવાની રહેશે.

આ કોર્ડિનેટરે સોસાયટીમાં માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું વગેરે બાબતોનું પાલન કરાવવાનું રહેશે. હોમ- ક્વોરેન્ટાઇન કરાયેલા કુટુંબ નિયમનું પાલન કરે તે જોવાનું રહેશે. બહારથી આવતી વ્યક્તિએ માસ્ક પહેર્યા છે કે નહીં, થર્મલ ગનથી તેનું ચેકિંગ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવી, હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરાવવાનો રહેશે.

કોઈની તબિયતમાં ગરબડ જણાય તો 104 બોલાવીને તે વ્યક્તિને સોંપવાની રહેશે. પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં 14 દિવસ દરમ્યાન કોણ કોણ આવ્યું હતું તેની જાણ મોબાઇલ નંબરો સાથે મ્યુનિ.ને કરવાની રહેશે.

માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ માત્ર મેડિકલ કારણોસર પોલીસને નોંધણી કરાવીને બહાર જઈ શકશે. માઇક્રો કન્ટેન્મેન્ટમાં તમામના ટેસ્ટ કરાયા બાદ કોઈ કેસ પોઝિટિવ ના નીકળે તો જ એરિયાને મુક્તિ અપાશે. હોમ-ક્વોરેન્ટાઇન કુટુંબની વ્યક્તિ ઇમરજન્સીમાં જ બહાર નીકળી શકશે. ટેસ્ટ કરવા આવનાર સ્ટાફને સહયોગ આપવાનો રહેશે. ઉપરાંત આ કામગીરીમાં સહયોગ નહી આપનાર સામે દંડાત્મક કાર્યવાહી થશે તેમ પણ જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટ હાઉસ ખાતે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, કમિશનર મુકેશકુમારની અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી મીટીંગ દરમ્યાન ઉપરોક્ત નિર્ણયો લેવાયા હતા. ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કોરોનાની મહામારીને નાથવા અનેકવિધ પગલા લેવાઈ રહ્યા છે જેમાં આ નિર્ણય ખૂબ જ અસરકારક સાબિત થશે તેમ જણાય છે.


No comments:

Post a Comment