ઉમરેઠના સુરેલીના શિક્ષકપુત્રને પબજી ગેમ રમવાની ના પાડતા આપઘાત કર્યો - NEWS E HUB

Slider Widget

Thursday, 3 September 2020

ઉમરેઠના સુરેલીના શિક્ષકપુત્રને પબજી ગેમ રમવાની ના પાડતા આપઘાત કર્યો


- પરિવારજનોએ ગેમ રમવા મામલે ઠપકો આપતા યુવાને પોતાના ઘરે ઝેર પી લેતા સારવારમાં મોત નિપજ્યું

આણંદ, તા. 2 સપ્ટેમ્બર 2020, બુધવાર

યુવાધનને ઘેલું લગાડનાર પબ્જી ગેમે કેટલાંય આશાસ્પદ યુવાનોની જીંદગી સાથે ખેલ કર્યા હોવાનાં અનેક કિસ્સા ભૂતકાળ પ્રકાશમાં આવ્યા છે ત્યારે પબ્જી ગેમની લતે ચઢેલા ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના એક ૧૮ વર્ષીય શિક્ષકપુત્રએ પરિવારજનોએ પબ્જી રમવાની ના પાડતા આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

આ બનાવ અંગે પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે રહેતા અને વ્યવસાયે શિક્ષક ઇસ્માઇલખાન પઠાણના પુત્ર મોહમદ (ઉ.વ. ૧૮)ને છેલ્લાં ઘણાં સમયથી મોબાઈલ ફોનમાં પબ્જી ગેમ રમવાની લત લાગી હતી. 

સતત મોબાઈલમાં પબ્જી ગેમ રમવામાં વ્યસ્ત રહેતા પુત્રને આ લત છોડાવવા માટે પરિવારજનો અવરનવાર ઠપકો આપતાં હતાં. દરમ્યાન તેના પિતા દ્વારા ગેમ રમવા બાબતે ઠપકો અપાતાં મનમાં લાગી આવતાં તેણે ગતરોજ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે તેને આણંદ લઇ જવાયો હતો. જ્યાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. પબ્જી ગેમના કારણે સુરેલીના ૧૮ વર્ષીય કિશોરનું મોત નીપજતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


No comments:

Post a Comment