પાલનપુર અને અંબાજીમાં ભાજપ પ્રદેશ પ્રમુખના રોડ શોમાં સોશિયલ ડીસ્ટન્ટના ધજાગરા ઉડયા
પાલનપુર, અંબાજી, તા.03 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
સૌરાષ્ટ્ર બાદ યાત્રાધામ અંબત્થી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૃ કરનાર પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષે સૌ પ્રથમ અંબાજી ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ પાલનપુર અને અંબાજીમાં યોજાયેલા રોડ શો માં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોકે કોરોના મહામારી ભુલાઈ હોય તેમ સોશિયલ ડિસ્ટન્સના ઠેરઠેર ધજાગરા ઉડયા હોવાનું જોવા મળ્યું હતું. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ જાણે મુકપ્રેક્ષક બની રહી હોય તેવું લાગી રહ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપના નવા વરાયેલા પ્રમુખ સી.આર. પાટીલ રાત્રિ રોકાણ અંબાજીમાં કરી આજે વહેલી સવારે મંદિરમાં દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સૌ પ્રથમ પૂજા-અર્ચના કરી માતાજીની આરતી કરી હતી. આજે પ્રદેશ પ્રમુખ આવતા હોઈ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડયા હતા. મંદિરના શક્તિ દ્વારથી પ્રદેશ પ્રમુખ ખુલ્લી જીપમાં રહી કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. આ રોડ શો દરમિયાન કાર્યકરોએ માસ્ક તો પહેર્યા હતા પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સાવ ભુલાયું હતું. સામાન્ય પ્રજાને માસ્ક માટે દંડ ફટકારતી પોલીસે આજે હજારો આગેવાનો અને કાર્યકરોએ માસ્ક ન પહેરવા છતાં દંડ કરવાના બદલે તેઓની સરભરામાં વ્યસ્ત હોવા અંગે જોવા મળતા હતા.
અંબાજીથી દાંતા અને જલોતરા થઈ સી.આર. પાટીલનો કાફલો પાલનપુર આવી પહોંચ્યો હતો. શહેરમાં ભાજપ દ્વારા યોજાયેલા રોડ શો માં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. ત્યારબાદ આંબેડકર હોલ ખાતે બેઠક યોજી ચર્ચાવિચારણા કરી હતી. જોકે તેમના પ્રવાસ દરમિયાન રોડ શો અને રાજકીય બેઠકોમાં સોશિયલ ડિસ્ટન્સ વિસરાયું હતું. જ્યારે ગુરુનાનક ચોક અને સંજય ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રદેશ પ્રમુખે માતાજીના દર્શન કર્યા
વહેલી સવારે આવી પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અંબાજી ખાતે માતાજીના દર્શન કરી ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૃઆત કરી હતી. તેમની સાથે ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યો પણ ટોળા સાથે રોડ શો માં જોડાયા
પ્રજાની સેવા કરવાની જેમની જવાબદારી છે તેવા ધારાસભ્યો પણ આજે કાયદાનું ભાન ભુલી ટોળાઓની વચ્ચે રૃઆબભેર રોડ શો માં ચાલી રહ્યા હતા. સૌ પોતપોતાની રાજકીય ખીચડી શેકવામાં વ્યસ્ત હતા.
શિક્ષણ ફી અંગ રજુઆતનો પ્રયાસ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
બનાસકાંઠામાં કોરોનાને લઈ શાળા, કોલેજમાં અભ્યાસ બંધ હોવા છતાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફી ને લઈ કઈ વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોઈ બનાસકાંઠા એનએસયુઆઈ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમઉખ સી.આર. પાટીલને વાલીઓની વ્યથા જણાવવા માટે કોંગ્રેસ કાર્યાલય આગળ એકઠા થતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
No comments:
Post a Comment