મહેસાણાના પઢારીયામાં આકાશી વિજળી પડતાં બેના મોત, ત્રણ ગંભીર - NEWS E HUB

Slider Widget

Monday, 7 September 2020

મહેસાણાના પઢારીયામાં આકાશી વિજળી પડતાં બેના મોત, ત્રણ ગંભીર

મહેસાણા, ઊંઝા, પાલનપુર,તા.06 સપ્ટેમ્બર 2020, રવિવાર

ઉત્તર ગુજરાતમાં ભારે બફારા બાદ સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું. અને કાળા ડીબાંગ વાદળો તેમજ વીજળીના કડકા ભડાકા સાથે ઠેકઠેકાણે છુટાછવાટા વરસાદી ઝાપટા પડયા હતા. મહેસાણાના પઢારીયામાં આકાશી વિજળી પડતાં બેના મોત થયા હતા. જ્યારે ત્રણ ગંભીર બન્યા હતા. જેઓને સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે તંત્ર અને ગ્રામજનોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જેમાં સૌથી વધુ ઊંઝા ખાતે દોઢ ઈંચ,  સિદ્ધપુર સવા ઈંચ અને મહેસાણા તથા દાંતામાં એક-એક ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 

મહેસાણા તાલુકાના પઢારીયા ગામની સીમમાં ખેતીકામ કરી રહેલા પાંચ મજૂરો ઉપર આકાશી વિજળી પડતાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં રમણજી દિવાનજી ઠાકોર અને દિલીપજી જ્યંતિજી ઠાકોર નામના યુવાનોના સ્થળ ઉપર જ મોત થયા હતા. જ્યારે અશોકજી નવઘણજી ઠાકોર, પરબતજી ઉજાજી ઠાકોર અને જગાજી લક્ષ્મણજી ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાંચેય વ્યક્તિઓ વિજાપુર તાલુકાના ડાભલા ગામના હોવાનું જાણવા મળેલ છે. રાજ્ય સહિત ઉ.ગુ.માં અત્યારે હવામાન વિભાગની વરસાદ માટે કોઈ જ આગાહી નથી પરંતુ ત્રણ દિવસના વિરામ બાદ રવિવાર સવારથી મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠામાં વરસાદી વાતાવરણ જામ્યું હતું. જેમાં બે દિવસથી ભારે બફારા બાદ છૂટોછવાયો વરસાદ પડતા લોકોએ બફારા તેમજ ઉકળાટથી રાહત અનુભવી હતી.

મહેસાણા જિલ્લામાં સવારથી વાતાવરણ બદલાયું હતું અને કાળા ડીબાંગ વાદળો સાથે અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડતા જાહેરમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મહેસાણા શહેર ખાતે સવારે અડધો કલાકથી વધુ સમય માટે વરસાદ ખાબક્યો હતો. જેમાં ૧ ઈંચ જેટલુ પાણી પડતા શહેરના રામોસણા રોડ, ગોપીનાળુ, ભમ્મરિયુનાળુ તેમજ રેલવેનાળાઓમાં પાણી ભરાયા હતા. ઉપરાંત હીરાનગર ચોક, મોઢેરા રોડ, રાધનપુર રોડ સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો ભારે પરેશાન થઈ ઉઠયા હતા.  મહેસાણા તાલુકા સહિત ઊંઝામાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ખેરાલુ પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સહિત જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેથી વાહનચાલકો સહિત લોકો ત્રસ્ત બન્યા હતા. વિસનગરમાં પણ ૧ ઈંચ જેટલો વરસાદ પડતા જાહેરમાર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.

ઊંઝા ગંજબજારમાં દોડધામ મચી

ઊંઝામાં આજે સવારે અચાનક ૩૭ મીમી એટલે કે દોઢ ઈંચ વરસાદી દોધમાર ઝાપટું ખાબકતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. અચાનક વાદળો ઘેરાઈને વરસાદી માહોલ ઉભો થઈ વરસાદ પડતાં ગંજબજારમાં અફડાતફડી મચી હતી. જોકે રવિવારની રજાને કારણે બજારો-ગંજબજાર બંધ હોવાથી નુકશાન નહી થતાં વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

સિદ્ધપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો

પાટણ જિલ્લામાં પણ સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં સિદ્ધપુરમાં દોઢ સવા ઈંચ વરસાદ પડતા વાતાવરણમાં ભારે ઉકળાટ અને અસહ્ય બફારાથી રાહત મળી હતી. જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સિદ્ધપુર સિવાય હારીજમાં અડધો ઈંચ તો ચાણસ્મામાં પણ અડધો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

બનાસકાંઠામાં વિરામ બાદ વરસાદી આગમનથી ઠંડક

બનાસકાંઠા જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ પુનઃ મેઘરાજાનું આગમન થયું હતું. જેમાં યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબકતા ચોમેર વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે પાલનપુર સહિતના વિસ્તારમાં દિવસ દરમિયાન અનેકવાર હળવાથી ભારે વરસાદી ઝાપટા પડયા હતા. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. બનાસકાંઠામાં એક ઈંચથી જેટલો વરસાદ ખાબકતા ખેતરો સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

મરણ જનારના નામ

૧. રમણજી દિવાનજી ઠાકોર ઉ.વ.૨૪

૨. દિલીપજી જ્યતિજી ઠાકોર ઉ.વ.૨૪

ઈજાગ્રસ્તો

૧. અશોકજી નવઘણજી ઠાકોર

૨. પરબતજી ઉદાજી ઠાકોર

૩. જગાજી લક્ષ્મણજી ઠાકોર


No comments:

Post a Comment