મહેસાણા,તા.06 સપ્ટેમ્બર 2020, રવિવાર
મહેસાણા શહેરમાં આવેલા મ્યુનિસિપલ ગ્રાઉન્ડ નજીક પોતાની કારમાં પિસ્ટલનું ગેરકાયદેસર વેચાણ કરવા ગ્રાહકની રાહ જોઈ રહેલા એક શખસની એલસીબીએ દબોચી લીધો હતો. તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ અને ૭ નંગ જીવતા કારતુસ કબજે કરવામાં આવ્યા હતા. જ્યારે કાર સહિત કુલ રૃ.૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા એલસીબીના એએસઆઈ રાજેન્દ્રસિંહને બાતમી મળી હતી કે શહેરના કસ્બામાં આવેલા કુંભારવાસમાં રહેતો ફૈસલ રફીકભાઈ સેતા નામનો શખસ ગેરકાયદેસર હથિયારના વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. તે અત્યારે વણીકર ક્લબ નજીકના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં પ્રવેશવાના રસ્તા ઉપર પોતાની કારમાં પિસ્ટલના વેચાણ કરવા માટે ગ્રાહકની રાહ જોઈ બેઠો છે. જેના આધારે પોલીસની ટીમે આ સ્થળે પહોંચી ફૈસલ સેતાને ઝડપી લીધો હતો. તેની પાસેથી ૭ નંગ જીવતા કારતુસ ભરેલી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. જ્યારે કારમાં તપાસ કરતાં અંદર મીણીયાની કોથળીમાંથી વધુ એક પિસ્ટલ કબજે લેવામાં આવી હતી. પોલીસે કાર સહિત ઝડપાયેલા આરોપી પાસેથી રૃ.૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે તેનો કોરોના ટેસ્ટ કરવા તજવીજ હાથ ધરાઇ હતી.
વડોદરાના બે શખસોએ વેચવા માટે પિસ્ટલ આપી હતી
બે પિસ્ટલ અને જીવતા કારતુસ સાથે ઝડપાયેલા ફૈસલની પુછપરછમાં તેણે આ અગ્નીશસ્ત્રો વડોદરાના વ્હોરવાડમાં રહેતા મુખ્તાર ગોલાવાલા અને મોહંમદઉસેદ સોપારીવાલાએ વેચાણ કરવા માટે આપ્યા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.
શસ્ત્રોની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપી
૧.ફૈસલ રફીકભાઈ સેતા રહે.મહેસાણા
૨.મુખ્તાર મોહમંદસકીલ ગોલવાલા રહે.વડોદરા
૩.મોહંમદઉસેદ ચાંત્મીયાં સોપારીવાલા રહે.વડોદરા
કોને પિસ્ટલ વેચાણ કરવાની હતી તપાસ જરૃરી
ઝડપાયેલો આરોપી ફૈસલ સેતા મ્યુનિસિપલ ગ્રાઉન્ડ નજીક પોતાની કારમાં ગેરકાયદેસર રીતે પીસ્ટલનું વેચાણ કરવા ગ્રાહકની રાહ જોઈને બેઠો હતો. તે વખતે પોલીસે તેને દબોચી લીધો હતો. જોકે આ પિસ્ટલ કોને વેચવાની હતી અને આ સ્થળે કયો ગ્રાહક આવવાનો હતો તેની હકીકત તપાસમાં ખૂલે તેવી શક્યતા છે.
No comments:
Post a Comment