- પોલીસે ઉદ્યોગપતિને કોરોન્ટાઇન કરી કોરોનાના રિપોર્ટ કરાવ્યા, પિતાએ નોંધાવેલ ફરિયાદમાં આઇપીસી ૩૨૬નો કરાયો ઉમેરો
ભાવનગરના વરતેજ નજીક આવેલ તંબોલી કાસ્ટીંગ કંપની (ટીસીએલ)માં થોડા દિવસ પૂર્વે ચાલતી બોર્ડ મિટીંગ દરમિયાન ઉશ્કેરાટમાં આવી ઉદ્યોગપતિ મેહુલ તંબોલીએ તેના ભાઇને છરીનો ઘા ઝીંકી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે મામલે ઉદ્યોગપતિના પિતાએ જ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આજે ભાઇને છરી હુલાવનાર હુમલાખોર ઉદ્યોગપતિએ પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પોલીસે કોરોન્ટાઇન કરી કોરોના રિપોર્ટ કરાવ્યા હતાં. જ્યારે ગુનામાં આઇપીસી ૩૨૬નો ઉમેરો કર્યો હતો.
ચકચારી બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના હિલડ્રાઇવ વિસ્તારના પ્લોટ નં.૨૨૯૪માં રહેતા અને વરતેજ ખાતે તંબોલી કાસ્ટીંગ લિ. કંપની ધરાવતા બિપીનભાઇ ફુલચંદભાઇ તંબોલી (ઉ.વ.૭૭)એ વરતેજ પોલીસ મથકમાં તેના મોટા દિકરા મેહુલ તંબોલી (રે.પાણીની ટાંકી પાસે, વિકટોરીયા પાર્ક) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૨૯-૮ના રોજ તેઓની કંપનીમાં મિટીંગ ચાલી રહી હતી તે વેળાએ ચર્ચા થવા પામી હતી કે, મેહુલ ડાયરેક્ટર છે તેને ફરીથી ડાયરેક્ટર બનાવવો નહી જે વાતને લઇને ઉશ્કેરાઇ તેઓના નાના દિકરા વૈભવ તંબોલીને પેટના ભાગે છરીનો ઘા મારી દઇ નાસી છુટયો હતો. દરમિયાન ઇજાગ્રસ્ત વૈભવ તંબોલીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. બનાવ અનુસંધાને વરતેજ પોલીસે ઉદ્યોગપતિ મેહુલ તંબોલી વિરૂધ્ધ આઇપીસી ૩૨૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
ભાઇ પર છરી હુલાવી નાસતા ફરતા હુમલાખોર ઉદ્યોગપતિ મેહુલ તંબોલી આજે વરતેજ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેને કોરોન્ટાઇન કરી ભંડારીયા સી.એચ.સી. ખાતે લઇ જઇ કોરોનાનો રિપોર્ટ કરાવ્યા હતાં. તેમજ ડોક્ટરી રિપોર્ટ આધારે ગુનામાં આઇપીસી ૩૨૬નો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું અને કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે તેમ વરતેજ પોલીસે જણાવ્યું હતું.
No comments:
Post a Comment