મહેસાણા,તા.04 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
મહેસાણામાં લોકડાઉનની સૌથી વધુ અસર માંડ કમાઈને માંડ જીવન નિર્વાહ ચલાવતા રિક્ષા ચાલકોને થઈ છે. ત્યારે હાલમાં ધંધો કરવા જતા રિક્ષાચાલકોને પોલીસના કનડગત તો ખરી જ તેથી મહેસાણા જિલ્લા ઓટો રિક્ષા ડ્રાઈવર એસોસીએશન દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરાઈ છે.
મહેસાણા ખાતે રિક્ષા ચાલકની બાજુમાં સીટ ન હોવા છતાં પોલીસ દ્વારા ડીટેઈન કરાયેલ રિક્ષાના મેમામાં ચાલકની બાજુમાં સીટનો ઉલ્લેખ કરી રિક્ષા ચાલકોને પરેશાન કરાતા હોવા મુદ્દે રિક્ષા એસોસીએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મહેસાણા ખાતે આવેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મહેસાણા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક સહિતને આ મામલે મહેસાણા જિલ્લા ઓટોરિક્ષા ડ્રાઈવર એસોસીએશનના પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ મહામંત્રી સુરેન્દ્રસિંહ રાઠોડ સહિત આગેવાનો દ્વારા લેખીતમાં રજૂઆત કરી છે. અને પોલીસ દ્વારા કરાતી આ પ્રકારની કનડગત બંધ કરાવવા માંગણી કરી છે. રિક્ષા ચાલકોની લોકડાઉન બાદ આર્થિક પરિસ્થિતિ ખરાબ બની હતી. જોકે સરકાર દ્વારા થોડેક અંશે ધંધાની છૂટ મળી છે. ત્યારે પોલીસ દ્વારા પરેશાન કરાતા રિક્ષા ચાલકોમાં નારાજગી ઉભી થઈ છે.
No comments:
Post a Comment