બહાર ગામથી આવતાં મુસાફરોને સુરતની બહાર ઉતારી દેવાતા કોરોનાના લક્ષણ ધરાવતાનો ટેસ્ટ થતો નથી
સુરત, તા.1 સપ્ટેમ્બર 2020, મંગળવાર
સુરતમાં ગત મહિને કોરોના સંક્રમણમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હાલ કેસમાં ફરીથી ઉછાળો આવી રહ્યો છે. સુરતમાં અચાનક કેસ વધવા પાછળ સુરત બહારથી ખાનગી બસમાં આવતા મુસાફરો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. કેટલાક ખાનગી બસ ઓપરેટર બહારથી આવતાં મુસાફરોને શહેર બહાર ઉતારી દેતાં હોવાથી શંકાસ્પદ લક્ષણ ધરાવતાં કે પોઝીટીવ વ્યક્તિ ખાનગી વાહન દ્વારા શહેરમાં આવી જાય છે. આવા લોકો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કોરોન્ટાઈન ન રહેતાં હોવાથી સંક્રમણ વધી રહ્યું હોવાથી મ્યુનિ.તંત્ર ખાનગી બસ ઓપરેટર સામે પગલાં ભરવા માટે કવાયત કરી રહી છે.
સુરતમાં ફરી એક વાર કોરોના સંક્રમણમાં ઉછાળો આવતાં મ્યુનિ. તંત્રએ કારણ શોધતાં ચોંકાવનારૂ કારણ બહાર આવ્યું છે. સુરત બહારથી આવતાં લોકોને ફરજ્યાત સાત દિવસ કોરોન્ટાઈન કરવાની સુચના આપવામાં આવી છે. પરંતુ સાત દિવસના કોરોન્ટાઈનથી બચવા માટે રાજ્ય કે શહેર બહારથી ખાનગી બસમાં આવતાં લોકોને સુરત બહાર જ ઉતારી દેવામાં આવે છે. સુરતના પ્રવેશદ્વારથી રીક્ષા કે અન્ય ખાનગી વાહનોમાં મુસાફરો સુરત આવી જાય છે. આવી રીતે આવતાં મુસાફરોમાં કેટલાક મુસાફરોને કોરોના સંક્રમણ હોય છે અથવા તો શરદી-ખાંસી અને તાવ જેવા લક્ષણ હોય છે તેઓ પણ સુરતમાં ગીચ વસ્તીમાં રહેતાં થઈ જાય છે. આવા સંજોગોમાં સંક્રમણમાં વધારો થઈ રહ્યો હોવાથી હવે સુરત બહાર મુસાફરોને ઉતારતાં બસ ઓપરેટર સામે પગલાં ભરવા માટે મ્યુનિ. તંત્રએ કવાયત શરૂ કરી છે.
સુરત કોરોના સંક્રમણમાં હીરાના ઉદ્યોગ બાદ ખાનગી બસ ઓપરેટર વિલન સાબિત થઈ રહ્યાં છે. બસ ઓપરેટરોને સુરત બહાર જ ઉતારી દેવાતાં શંકાસ્પદ લક્ષણવાળા કે કોરોના પોઝીટીવ હોય તેવા દર્દીઓને સુરતમાં પ્રવેશ મળી રહ્યો છે. આ સંક્રમણ રોકવા માટે મ્યુનિ. તંત્રએ દરેક પ્રવેશ દ્વાર પર ચેકીંગ પોઈન્ટ બનાવ્યો છે તેનાથી બચવા માટેની ટ્રીક હોવાથી હવે કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે. મ્યુનિ. તંત્રએ શહેર બહાર મુસાફરોને ઉતારતા ખાનગી બસ ઓપરેટરને શોધીને આરટીઓને માહિતી આપી પગલાં ભરવામાં આવશે.
No comments:
Post a Comment