ગુંડાગીરી કરનારાઓને 10 વર્ષની જેલનો સરકાર વટહુકમ લાવશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
ગુજરાતમાંથી ગુંડાગીરીને જાકારો આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટની બેઠકમાં ગુંડાગીરી કરનારાઓને દસ વર્ષ જેલની સજા કરવાની જોગવાઈ કરતો કાયદો લાવવા આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં દરખાસ્ત મૂકશે. આ કાયદો લાવીને ગુંડાગીરી કરનારાઓને ગુંડાગીરી છોડી દેવાની અથવા તો ગુજરાત છોડી દેવાની ચેતવણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી દીધી છે.
આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વટહુકમ જાહેર કરવા માટેના મુસદ્દાની રજૂઆત કરવાના છે. કાયદા માટેના સૂચિત ખરડાને ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટિ સોશિયલ એક્ટિવિટિઝ પ્રીવેન્શન એક્ટ-ઓર્ડિનન્સ નામ આફવામાં આવ્યું છે. કેબિનેટ મંજૂર કરે તે પછી રાજ્યપાલની મંજૂરી મેળવીને પછી તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે.
વટહુકમમાં કરવામાં આવનારી મહત્વની જોગવાઈઓમાં ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને પ0 હજાર રૂપિયાનો દંડ કરવાની, ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરવાની, ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લેવાની, સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવાની, ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી લેવાની ફરજિયાત કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.
પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત-સલામત-સુરક્ષિત-સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમ ગુજરાત સરકારે માંડયું છે. રાજ્યની વિકાસયાત્રામાં અવરોધરૂપ બનનારા- જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા - હિંસા - ધાકધમકી - બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીએ નિર્ધાર કર્યો છે.
આ જ રીતે દારૂનો વેપાર કરનારા, જુગાર રમનારા, ગાયોની કતલ કરનારા, નશાનો પદાર્થોનો વેપાર કરનારાઓ, અનૈતિક વેપાર કરનારા, માનવ વેપાર કરનારા, બનાવટી દવાનું વેચાણ કરનારા, વ્યાજખોરી કરનારા, અપહરણ-ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા કામો સાથે સંડોવાલેયા ઓને સજા કરવા માટે કડક કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે.
ગુંડાઓ-જમીન કૌભાંડકારો-ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નેસ્તનાબૂદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જાહેર શાંતિ-સલામતિ અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડાગીર્રીી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. ગુજરાતમાં શાંતિ, સલામતિ અને સમૃદ્ધિ સાથે વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવવામાં આ વટહુકમ નવું પ્રેરક બળ બનશે
ગુજરાતમાં ગેરકાયદે જમીન પચાવી પાડનારા તત્વો-ભૂમાફિયાઓ-જુગાર-દારૂની પ્રવૃત્તિ કરનારાઓ સહિતના અસામાજીક તત્વોને સખત સજા કરવા માટે પાસા એકટમાં તાજેતરમાં જ સુધારો કરવામાં આવ્યો છે. ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ- ઓડનન્સનો અમલ કરાવીને રાજ્યમાં જે ગુંડા તત્વો નિર્દોષ નાગરિકોને રંજાડે છે તેવા માથાભારે લોકો સામે પણ કાનૂની સકંજો કસવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર) , જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.
ગુંડાઓ સામેના કેસ ચલાવવા વિશેષ અદાલત રચાશે
ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જુથમાં હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા અંતર્ગત સજા પાત્રતામાં કરવામાં આવ્યો છે. આ કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પુરતી જોગવાઇ પણ કરી દેવાઇ છે. નોબત આવે તોે નિયત સિવાયના અન્ય સ્થળે પણ કોર્ટ કાર્યવાહી માટે બેઠક બોલાવી શકાય તેવી જોગવાઇ પણ કરાઇ છે અને વિશેષ અદાલતોની રચના થયેથી તે અગાઉના કોઇ પણ ન્યાયાલયમાં પડતર કેસો વિશેષ અદાલતની હકુમતોમાં આવી જશે. જરૂર જણાયે કોઇ કેસને નિકાલ માટે એક વિશેષ અદાલતમાંથી બીજી વિશેષ અદાલતમાં તબદીલ કરવાની પણ જોગવાઇ આ કાયદામાં કરવામાં આવી છે.
સાક્ષી બનનારાઓને પૂરતું રક્ષણ આપવાની જોગવાઈ
ઈમાનદાર નાગરિકોને આવા ગુંડા તત્વોથી રક્ષણ આપવા એવી જોગવાઇ પણ સુનિશ્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યકિત સાક્ષી બનશે તેને પણ રાજ્ય સરકાર પુરેપુરૂ રક્ષણ આપશે અને સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે. આ જોગવાઇના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત ગુંડા ધારા હેઠળ કાનુની કાર્યવાહીને પાત્ર હોય તેવા કિસ્સામાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તે ટાંચમાં લઇ શકાશે અને જરૂર જણાયે આવી મિલકતના વહીવટકર્તાની પણ તેઓ નિમણૂંક કરી શકશે.
No comments:
Post a Comment