બંટી અને બબલીએ વિદ્યાનગરમાં ઓફિસ ખોલી બે લોકોને 11 લાખનો ચૂનો લગાડયાનું ખુલ્યું - NEWS E HUB

Slider Widget

Friday, 4 September 2020

બંટી અને બબલીએ વિદ્યાનગરમાં ઓફિસ ખોલી બે લોકોને 11 લાખનો ચૂનો લગાડયાનું ખુલ્યું


બંટી અને બબલીએ વિદ્યાનગરમાં ઓફિસ ખોલી બે લોકોને 11 લાખનો ચૂનો લગાડયાનું ખુલ્યું

આણંદ, તા.3 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

આણંદ જીલ્લાના ધર્મજ ગામે બેંકની નકલી શાખા ખોલી લાખ્ખો રૂપિયા ચાઉં કરનાર અને પેટલાદ ગ્રામ્ય પોલીસના હાથે મહેસાણા ખાતેથી ઝડપાઈ જનાર બંટી-બબલીએ વર્ષ-૨૦૧૯માં વિદ્યાનગર ખાતે ઓફિસ ખોલી એક નિવૃત શિક્ષકને ઊંચા દરે વ્યાજ અપાવવાના બહાને રૂ.૧૦ લાખ તેમજ અન્ય એક વ્યક્તિને ડીમેટ એકાઉન્ટ ખોલવાની ડિપોઝીટ પેટે રૂ.૧ લાખ મળી કુલ ૧૧ લાખનો ચૂનો ચોપડયો હોવાનું પ્રકાશમાં આવતાં વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૯માં સૂચિત ઉર્ફે દક્ષ ઉર્ફે પીન્કો ઉર્ફે દર્શન મહેશભાઈ પંચાલ તથા મયૂરીબેન પંચાલે વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલ ખેડાવાળા કોમ્પ્લેક્ષમાં ઓફિસ ખોલી હતી.

દરમ્યાન આણંદના નિવૃત્ત શિક્ષક મહેન્દ્રભાઈ વિરજીભાઈ ગોહેલે મોતીલાલ ઓસ્વાળ ફાયનાન્સ સર્વિસીસમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવેલ હોય અને આણંદ ખાતેની કંપનીની ઓફિસ બંધ થતાં તેઓનું ખાતું તેમની જાણ બહાર બોરસદના બીઝનેસ એસો.ને ખાતું ટ્રાન્સફર કરેલ હતું.

દરમ્યાન વર્ષ ૨૦૧૯ના માર્ચ મહિનામાં મહેન્દ્રભાઈના મોબાઈલ ઉપર કોલ આવ્યો હતો. અને સૂચિત ઉર્ફે દક્ષ બોલું છું. તેમ જણાવી બોરસદથી તમારું ખાતું અમારી ઓફિસમા ટ્રાન્સફર થયું હોવાનું કહી કામકાજ હોય તો તેઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જેથી મહેન્દ્રભાઈ તપાસ માટે નાના બજાર ખાતની ઓફિસે ગયા હતા.

જ્યાં સૂચિત ઉર્ફે દક્ષ તથા મયુરીબેન હાજર હોઈ તેઓએ કંપનીની ફેક્સ રીટર્ન પોલીસીમાં નાણાં રોકો તો ઊંચા દરે વ્યાજ મળશેની લાલચ આપતાં મહેન્દ્રભાઈ નાણાંની સલામતી માટે પૂછતાં કંપની લીસ્ટેડ છે અને પ્રતિષ્ઠિત વ્યકિતઓએ ખાતા ખોલાવ્યા હોવાનું બંનેએ જણાવતાં મહેન્દ્રભાઈ ઊંચા વ્યાજની લાલચમાં રૂ.૧૦ લાખનો ચેક આપ્યો હતો.

જેમાં પ્રથમ માસે તેમનાં બેંક ખાતામાં વ્યાજ જમા થયું હતું. બાદમાં સૂચિતે હવે ત્રણ મહિને વ્યાજ જમા થશે તેમ કહ્યું હતું. દરમ્યાન પોલીસીની કોપી માટે માંગ કરતાં એક શખ્સ તેઓના ઘરે પોલીસી આપી ગયો હતો.

પરંતુ પોલીસી જોઈ મહેન્દ્રભાઈને શંકા જતાં તેઓએ અમદાવાદની મોતીલાલ ઓસ્વાલની ઓફિસ ખાતે સંપર્ક કરતાં આવી કોઈ પોલીસી કંપનીની નહીં હોવાનું જણાવાતા મહેન્દ્રભાઈ ચોંકી ઉઠયા હતા અને તેઓએ સૂચિતના મોબાઈલ ફોન ઉપર કોલ કરતાં ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. જેથી તેઓએ બેંકમાં જઈ તપાસ કરતાં તેમણે આપેલ ચેકનાં નાણાં સૂચિતના મોતીલાલ ઓસ્વાલ નામના એકાઉન્ટમાં જમા થયા હોવાનું જાણવા મળતાં પોતે ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો.

દરમ્યાન પેટલાદ ગ્રામ્ય પોલીસે આ બંટી-બબલીને ઝડપી પાડતાં આ અંગેના ફોટા અખબારોમાં જોતાં બંન્ને વ્યક્તિઓ પોતાની સાથે ઠગાઈ કરનાર હોવાની ખાતરી થઈ હતી. ઉપરાંત આ બંટી-બબલીએ વિપુલભાઈ ગણાત્રાને પણ ડીમેટ એકાઉન્ટ ખોલવાની ડિપોઝીટ પેટે રૂ.૧ લાખનો ચૂનો ચોપડી છેતરપીડી કરી હોવાનું બહાર આવતાં વિદ્યાનગર પોલીસે મહેન્દ્રભાઈ વિરજીભાઈ ગોહેલની ફરીયાદના આધારે બંટી-બબલી વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


No comments:

Post a Comment