અમદાવાદ, તા. 5 સપ્ટેમ્બર, 2020, શનિવાર
અમદાવાદ શહેરમાં શનિવારે કોરોના કેસની સંખ્યાની દ્રષ્ટિએ નવા 19 વિસ્તાર સમાવાતા કુલ 388 માઈક્રોકન્ટેઈન્મેન્ટ એરીયા થવા પામ્યા છે.એસ.જી.હાઈવે પર આવેલાં ગેલોપ્સના શોરૂમ અને વર્કશોપમાં 98 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવતા સાત પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
શનિવારે અગાઉના 393 માઈક્રોકન્ટેઈન્મેન્ટ એરીયામાંથી 24માંથી નિયંત્રણ દુર કરાયા હતા.નવા 19 વિસ્તારને કોરોના કેસની સંખ્યાની દ્રષ્ટિએ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
મહત્વની બાબત એ હતી કે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એસ.જી.હાઈવે પર આવેલા ગેલોપ્સ(બીએમ ડબલ્યુ)ના શોરૂમ અને વર્કશોપમાં કામ કરતા 98 કર્મચારીઓના ટેસ્ટ કરાતા સાત લોકો પોઝિટિવ મળી આવતા તેમને નજીકના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે.જે નવા 19 વિસ્તારો નિયંત્રિત જાહેર કરાયા છે એમાં ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયાના ત્રણ,ગોતા,થલતેજ,બોડકદેવ,ઘાટલોડિયાના એક-એક વિસ્તારનો સમાવેશ થાય છે.
પશ્ચિમઝોનમાં નારણપુરાના એક સંક્રમિત વિસ્તાર,પૂર્વમાં વસ્ત્રાલના બે અને ભાઈપુરાના એક સંક્રમિત સ્થળને નિયંત્રિત કરાયા છે.ઉત્તરઝોનમાં સરદારનગરના ત્રણ,સરસપુર અને ઈન્ડિયાકોલોનીના એક-એક સંક્રમિત સ્થળને નિયંત્રિત જાહેર કરાયા છે.દક્ષિણઝોનમાં બહેરામપુરા,મણીનગર અને ખોખરાના એક-એક સ્થળને કોરોનાના કેસની સંખ્યાની દ્રષ્ટિએ નિયંત્રિત જાહેર કરાયા છે.
No comments:
Post a Comment