સિહોરના બોરડી ગામે જનેતાની નજર સામે બે પુત્રના ડૂબી જવાથી કરૂણ મોત - NEWS E HUB

Slider Widget

Friday, 11 September 2020

સિહોરના બોરડી ગામે જનેતાની નજર સામે બે પુત્રના ડૂબી જવાથી કરૂણ મોત


- બે સંતાનને લઈ મહિલા ગામના સીમાડે આવેલા વનના તળાવે કપડાં ધોવા ગયા હતા, કાંધાતરના મોતથી પરિવાર શોકમગ્ન

સિહોર, તા. 10 સપ્ટેમ્બર 2020, મંગળવાર


ભાવનગર જિલ્લામાં તળાવ અને ચેકડેમો કાળના કૂવા બની ગયા હોય તેમ એક પછી એક ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી રહી છે. આજે ગુરૂવારે સિહોર તાલુકાના બોરડી ગામે તળાવમાં નહાવા પડેલા બે સગાભાઈના તેમની માતાની નજર સામે જ ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા હતા. ગઢપણની લાકડીનો ટેકો અને કાંધાતર એવા જીવથી વ્હાલા બે સંતાનના મૃત્યુ થતા પરિવાર ઉપર આફતનું આભ ફાટયું હતું. માતા અને પરિવારના હૃદયફાંટ રૂદનથી સમગ્ર ગામ શોકમગ્ન બની ગયું હતું.

ઉપરોક્ત કરૂણાંતિકા અંગે મળતી વિગત અનુસાર સિહોર તાલુકાના બોરડી ગામે રહેતા ગીતાબેન ભાવસંગભાઈ પરમાર આજે ગુરૂવારે સવારના સુમારે કપડાં ધોવા માટે તેમના બે સંતાન આયુશ્કાર ભાવસંગભાઈ પરમાર (ઉ.વ.૧૬) અને અજય ભાવસંગભાઈ પરમાર (ઉ.વ.૧૩)ને લઈ ગામના સીમાડે આવેલા વનના તળાવ ખાતે ગયા હતા. દરમિયાનમાં તેણી કપડાં ધોઈ રહ્યા હતા. તે વેળાએ બન્ને ભાઈઓ આયુશ્કાર અને અજય તળાવમાં નહાવા પડયા હતા. 

આ સમયે તળાવના ઊંડા પાણીમાં ડૂબી જતાં ગીતાબેન અને અન્ય મહિલાઓએ બૂમાબમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને બન્ને ભાઈને બચાવવા પ્રયત્ન કરી તળાવમાં તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બન્ને સગાભાઈને બચાવી ન શકતા તેમના મૃતદેહો મળ્યા હતા. આ બનાવને લઈને બોરડી ગામમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના સંદર્ભે મૃતકના કૌટુંબિક કાકા નવલસંગભાઈ ભગવાનભાઈ પરમાર (ઉ.વ.૪૬, રહે, બોરડી)એ આપેલી જાહેરાતના આધારે સિહોર પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં મૃતક આયુશ્કાર ધોરણ ૧૦ અને અજય ધોરણ ૮માં અભ્યાસ કરતા હતા. એક બહેન વચ્ચે બે ભાઈ હતા. જેમના મૃત્યુથી પરિવાર શોકમગ્ન બન્યો છે.


No comments:

Post a Comment