વર્ક ફ્રોમ હોમના કલ્ચરથી કંપનીઓના સાયબર સિક્યોરિટીના ખર્ચમાં વધારો - NEWS E HUB

Slider Widget

Wednesday, 2 September 2020

વર્ક ફ્રોમ હોમના કલ્ચરથી કંપનીઓના સાયબર સિક્યોરિટીના ખર્ચમાં વધારો


સાયબર સિક્યોરિટી માટે મહિને લાખોના ખર્ચથી કંપનીઓ ત્રસ્ત

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

એક તરફ કોરોના સંક્રમણને ખાળવા માટે ગુજરાત સરકાર વર્ક ફ્રોમ હોમના કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજી તરફ વર્ક ફ્રોમ હોમ  કામ કરી રહેલા કર્મચારીઓના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક - વીપીએનના માધ્યમથી મોટી મોટી કંપનીઓના નેટવર્કમાં ઘૂસી જઈને તોડ ફોડ કરીને હેકર્સ કંપનીઓની પરેશાની વધારી રહ્યા છે. આ સ્થિતિમાં નાની, મધ્યમ કદની કે પછી મોટી કંપનીઓને સાયબર સિક્યોરિટી માટે મહિને ચારથી પાંચ લાખના જંગી ખર્ચના ખાડામાં ઉતરવાની ફરજ પડી રહી છે.

આધુનિક હેકર્સે કોમ્પ્યુટર નેટવર્ક પર બી.ઓ.ટી. તરીકે ઓળખાતા અને કોઈના પણ સર્વરને હેક કરવા માટે સતત ઓટોમેટિક એટેક કરતાં રહેતા સોફ્ટવેર તૈયાર કરી દીધા હોવાથી બૅન્કના નેટવર્ક પર પણ સતત એટેક થતાં હોય છે. આ સ્થિતિમાં ઘણીવાર બૅન્કના નેટવર્ક પર એક મિનિટમાં 50,000થી વધુ એટેક થઈ જતાં હોવાથી સાયબર સિક્યોરિટી અનિવાર્ય બની ગઈ છે.

કોરોના પેન્ડેમિકને કારણે આવેલા લૉકડાઉન પછી હેકર્સ વધુ સક્રિય બન્યા હોવાથી કંપનીઓના સાયબર સિક્યોરિટી પાછળના ખર્ચ વધી જતાં તેમના ગણિતો ખોરવાઈ રહ્યા છે. કંપનીઓના ડેટા તફડાવવા માટે હેકર્સ વર્ક ફ્રોમ હોમ કરનારાઓના કોમ્પ્યુટરને માધ્યમ બનાવી રહ્યા છે. કંપનીઓના ડેટા સાથે છેડછાડ કરી રહ્યા છે.

કોરોના સંક્રમણને પરિણામે વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવીને ઓનલાઈન શિક્ષણ આપવાનું પસંદ કરી રહેલી શાળાઓએ તૈયાર કરીને ક્લાઉડમાં મૂકી રાખેલા ડેટાની તફડંચી થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા હોવાનું સાયબર એક્સપર્ટનું કહેવું છે. તેઓ કહે છે ક શૈક્ષણિક સંસ્થાઓના ડેટા પણ આ રીતે તફડાવી લેવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સાયબર સિક્યોરિટી એ ચોવીસ કલાક અને 365 દિવસ સતત ચાલતું યુદ્ધ છે.

ડિજિટાઈઝેશનના આ યુગમાં હેકર્સની આ પ્રવૃત્તિ નાની કંપનીઓને બિનજરૂરી ખર્ચાઓ તરફ ધકેલી રહી છે. ડિજિટાઈઝેશનના આ યુગમાં તે જરૂરી હોવા છતાંય તેના ખર્ચ કંપનીઓના ગણિતો ખોરવી રહ્યા છે. કંપનીના ડેટા સાચવવા માટે સાયબર એક્સપર્ટની મદદથી કંપનીઓએ રીતસર સાયબર આર્મિ જ ઊભી કરવી પડી રહી છે.

બીજી તરફ સૈન્યના પાયદળ, નૌકાદળ અને હવાઈદળની માફક જ સાયબસ સિક્યોરિટી પૂરી પાડતી કંપનીઓએ હેકર્સ પર વળતો હુમલો કરીને પોતાના નેટવર્કને બચાવવા માટ કે સાયબર એટેકને નાકામિયાબ બનાવવા માટેે રેડ ટીમ, એટેક થાય તો તેનું સોલ્યુશન તરત લાવવા માટે પર્પલ ટીમ અને મોનિટરિંગ કરવા માટે બ્લુ ટીમ જેવી ટીમને તૈયાર રાખવી પડી રહી છે.

તેમના આ ડિજિટલ વોરિયર કંપનીના ડેટાનું રક્ષણ કરે છે. પરંતુ કંપનીઓના આર્થિક ગણિતો બદલી રહ્યા છે.  સાયબર એટેક કરનારાઓ વાયર લૅસ નેટવર્ક પૂરૂં પાડતી ડિવાઈઝને વહેતી મૂકીને તેનો ઉપોયગ કરવાની કોશિશ કરનારી કંપનીઓના ડેટા ઘડીના છઠ્ઠા ભાગમાં તફડાવી લેતા હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.

બૅન્કના ખાતેદારોના યુઝર નેમ અને પાસવર્ડ પણ આ જ ટેકનિકથી તફડાવી લેતા હોવાનું જોવા મળે છે. તેમ જ કંપનીના ઉપરી તરફથી જ મેઈલ આવ્યો હોવાનું દર્શાવવા થોડા ફેરફાર કરીને મેઈલ મોકલીને પણ કંપનીની વિગતો તફડાવી લેતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું સાયબર નિષ્ણાતોનું કહેવું છે. સાયબર સિક્યોરિટી વર્ક ફ્રોમ હોમના જમાનામાં કંપનીઓ માટે અનિવાર્ય જરૂરિયાત બની ગઈ હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.


No comments:

Post a Comment