મહેસાણા: ભૂગર્ભમાં ઝેરી કેમિકલ ઉતારવાના કેસમાં જમીન માલિક વકીલની અટકાયત
મહેસાણા,તા.03 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
મહેસાણા શહેરના શોભાસણ રોડ ઉપર આવેલી જમીનમાં બોરવેલ મારફતે સલ્ફયુરીક નાઈટ્રીક એસીડ નામનો ઝેરી કેમિકલ ઉતારવાના ગુનામાં એલસીબીએ ગુરૃવારે જમીન માલિક વકીલની અટકાયત કરી છે. જેમાં તપાસનો રેલો વાપી સુધી પહોંચ્યો છે. અહીં કોપર બનાવવાના ઓથા હેઠળ વાપીથી ઝેરી કેમિકલ ટેન્કરમાં ભરીને લાવવામાં આવતો હતો અને સીફતપૂર્વક ભૂગર્ભમાં ઉતારવાની પ્રવૃત્તઓ આચરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
શોભાસણ રોડ ઉપર આવેલી જમીનમાં હોજ અને બોરવેલ બનાવી તેના મારફતે ઝેરી કેમિકલ ભૂગર્ભમાં ઉતારવા સંદર્ભે મહેસાણા એલસીબીએ શંભુ રામચંદ્ર યાદવ, અંકિત જ્યંતિલાલ પટેલ અને મેહુલ હસમુખભાઈ પટેલ વિરુદ્ધ એડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી તપાસ શરૃ કરી હતી. જેમાં મેહુલ પટેલે વાપીથી ટેન્કરમાં કેમિકલ ભરાવી શાભાસણ રોડ પર ભાડે રાખેલ જમીનમાં બોરવેલ દ્વારા ઉતારવામાં આવતો હતો. જેના લીધે ભૂગર્ભમાં રહેલા પાણી પ્રદૂષિત થાય તેમજ તે પીવાથી આસપાસ રહેતા લોકોને સ્ક્રીન કેન્સર કે જીવનું જોખમ થાય તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. દરમિયાન મહેસાણા એલસીબીએ તપાસનો રેલો વાપી સુધી લંબાવ્યો હતો. જેના આધારે ગુરૃવારે જમીનના માલિક અને એડવોકેટ સલીમ વોરાની અટકાયત કરવામાં આવી છે. આ અંગે એલસીબી પીઆઈ બી.એચ.રાઠોડે જણાવ્યું હતું કે આ કેસમાં અટકાયત કરવામાં આવેલા સલીમ વોરાનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરી કાર્યવાહી કરાશે.
No comments:
Post a Comment