ઊંઝા,તા.05 સપ્ટેમ્બર 2020, શનિવાર
ઊંઝામાં પાટણ રોડ ઉપર વર્ષ ૨૦૧૭માં ૧૭ મકાનોની સ્કીમ જાહેર કરી એડવાન્સમાં અડધો ડઝન ઈસમો પાસેથી ૧.૪૨ કરોડ રૃપિયા ઉઘરાવી બાનાખત કર્યા બાદ આજદિન સુધી મકાનો કે રકમ પરત નહિ કરતાં ત્રણ બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદમાં અટકાયત કરેલ બે બિલ્ડરોને જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. હજુ એક બિલ્ડર ફરાર છે. બિલ્ડરો દ્વારા મકાન ખરીદનાર જે પૈસા આપે તેની બનાવેલી ડાયરીમાં સહી તથા કોડવર્ડમાં નાણા આપ્યાની હકીકતનું શંકાસ્પદ લખાણ બહાર આવતાં ઈન્કમટેક્ષની પણ ચોરી કરી હોવાના આક્ષેપો સરકારી વકીલે કરતાં સમગ્ર મામલો સઘન તપાસનો વિષય બન્યો છે.
ઊંઝામાં ત્રણ બિલ્ડરોએ મકાન ખરીદનાર અડધો ડઝન જેટલા ઈસમો પાસેથી ૧.૪૨ કરોડ જેટલી માતબર રકમ ઉઘરાવી બાનાખત બાદ સમયસર મકાનોનું પઝેશન નહી આપી અથવા ભરેલી રકમ પણ પરત નહિ કરી છેતરપિંડી કરી હતી. જેમાં પોલીસે કિરીટભાઈ પરસોત્તમભાઈ પટેલ (રહે.વ્રજવાટિકા, મહેસાણા) તથા મનુભાઈ પ્રહલાદભાઈ પટેલ (રહે.મધુવન સોસાયટી, ઊંઝા)ની ત્રણ દિવસ અગાઉ અટકાયત કરી હતી. જ્યારે અન્ય બિલ્ડર કમલેશ કાન્તીભાઈ પટેલ (રહે.ભાજપવિલા બંગ્લોઝ, ઊંઝા) હજુ ફરાર છે. ઉપરોક્ત સ્કીમમાં મકાન નં.૨૪ બે વ્યક્તિઓને વેચાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ઉપરોક્ત બે આરોપીઓની જામીન અરજી સંદર્ભે સરકારી વકીલ વિજયભાઈ બારોટ દ્વારા વિડીયો કોન્ફરન્સથી સુનાવણી કરી દલીલો કરી હતી કે બિલ્ડરોએ મકાન ખરીદનાર પાસેથી મળેલ રકમની વિગતો કોર્ડવર્ડમાં ડાયરીમાં નોંધી હતી. જેથી ડાયરીમાં મકાનની મુળ કિંમત કરતાં ઓછી રકમ જણાતાં બિલ્ડરે ઈન્કમટેક્ષની પણ ચોરી કરી હોવાની આશંકા હોવાથી સમગ્ર મામલો સઘન તપાસનો વિષય બનતો હોવાથી નામદાર કોર્ટ ન્યાયાધીશ એસ.જે.ઠાકરે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.
No comments:
Post a Comment