JEE પરીક્ષામાં ન્યુ નોર્મલનો માહોલ પરંતુ પ્રથમ દિવસે 45 ટકા ગેરહાજર
અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
કોરોના વચ્ચે આજે દેશભરમાં શરૂ થયેલી જેઈઈ મઈન પરીક્ષાના પ્રથમ દિવસે એકંદરે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઈ હતી અને વિદ્યાર્થીઓમા-ઉત્સાહ તેમજ વાલીઓઓમાં રાહતની લાગણી જોવા મળી હતી અને પરીક્ષા સેન્ટરોમાં પણ ન્યુ નોમર્લ જેવો માહોલ દેખાયો હતો.જો કે પ્રથમ દિવસે 45 ટકા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.
દેશમાં રોજ નોંધાતા હજારો કોરોના કેસ વચ્ચે જેઈઈ મેઈન પરીક્ષા મોકુફ કરવાની ઉગ્ર માંગે સાથે દેશભરમાં વિપક્ષના વિરોધ વચ્ચે આજે શરૂ થયેલી જેઈઈ મેઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા અંતે લેવાઈ જતા ચિંતામુક્ત દેખાયા હતા અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને ખુશ હતા.જ્યારે વિદ્યાર્થીઓને સેન્ટરો પર મુકવા આવેલા વાલીઓ રાહતનો અનુભવ કરતા જણાયા હતા.
ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાઈ હતી.ભારે વરસાદ અને કોરોના વચ્ચે લેવાયેલી પરીક્ષામાં જે સેન્ટરો દૂર દૂર હતા ત્યાં રાજ્ય સરકારો દ્વારા વહિવટી તંત્ર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ અપાઈ હતી.એકંદરે પરીક્ષા સેન્ટરો પર પણ હવે ન્યુ નોર્મલનો માહોલ જણાયો હતો.
આજે સવારે પ્રથમ સેશનમાં 9થી12 અને બપોરે 3થી6 બીજા સેશનની પરીક્ષા હતી.દરેક સેન્ટર પર થર્મલ સ્કેનિંગ, સેનેટાઈઝર અને માસ્ક સહિતની પુરતી વ્યવસ્થા હતા.વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે કલાસરૂમની અંદર બેઠક વ્યવસ્થા પણ પુરતા ડિસ્ટન્સ સાથેની હતી.આજે પ્રથમ દિવસે જેઈઈ મેઈનના આર્કિટેકચર માટેના પેપર-2ની પરીક્ષા હતી.જેથી કેટલાક સેન્ટરો પર પરીક્ષા ન હતી અને વિદ્યાર્થીની સંખ્યા ઓછી હતી.
ગુજરાત રાજ્ય માટેના જેઈઈ કોઓર્ડિનેટર વિરેન્દ્ર રાવતે જણાવ્યુ હતું કે આજે પરીક્ષાના પ્રથમ દિવસે 3020 રજિસ્ટર્ડ વિદ્યાર્થીમાંથી 1664 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી .લગભગ 55 ટકા વિદ્યાર્થી હાજ રહ્યા હતા અને 1356 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.આમ 45 ટકા જેટલી ગેરહાજરી નોંધાઈ હતી.સામાન્ય પણે 25થી30 ટકા વિદ્યાર્થીઓ દર વર્ષે પરીક્ષા સ્કિપ કરતા હોય છે.પરંતુ આ વર્ષે પરીક્ષા સ્કિપ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા થોડી વધુ છે.આજના પેપરો એકંદરે સરળ રહ્યા હતા.આવતીકાલે પેપર-1ની પરીક્ષા છે.
No comments:
Post a Comment